
જો તમે ATM માંથી એક સમયે 5000 રૂપિયાથી વધુની રોકડ ઉપાડ કરી રહ્યા છો, તો તમારે આ રકમ પર વધારાની ફી ચૂકવવી પડશે. આઠ વર્ષ પછી, RBI એ ATM માંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. RBI ના નવા નિયમોમાં મહિનામાં પાંચ વખત ATM માંથી મફત પૈસા ઉપાડવાની સુવિધા શામેલ કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે જો તમે ATM માંથી 5000 રૂપિયાથી વધુ ઉપાડ કરો છો, તો તમારે વધારાની ફી ચૂકવવી પડશે. અર્થતંત્રમાં રોકડનો ઉપયોગ ઓછો કરવા અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી RBI આ પગલું ભરી રહી છે.
5,000 થી વધુ ઉપાડમાં 24 રૂપિયા ફી ચૂકવવી પડશે
બેંક ગ્રાહકોને ATM માંથી 5000 રૂપિયાથી વધુ ઉપાડવા માટે 24 રૂપિયાની વધારાની ફી ચૂકવવી પડશે. હાલમાં, ઘરેલુ બેંકના ATM માંથી મહિનામાં પાંચ વખત કોઈ શુલ્ક લીધા વિના પૈસા ઉપાડવાની સુવિધા છે. મહિનામાં 5 વાર રોકડ ઉપાડની મર્યાદા પછી છઠ્ઠી વખત રોકડ ઉપાડવા માટે બેંકો 20 રૂપિયા ફી લે છે.
RBI સમિતિએ ભલામણ કરી છે
RBI દ્વારા બનાવવામાં આવેલી સમિતિની ભલામણોને આધારે ATM ઉપાડના નિયમોમાં ફેરફાર અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જો કે આ સમિતિના અહેવાલ અને સૂચનો હજી જાહેર કરવામાં આવ્યા નથી. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં આ માહિતી આપવામાં આવી છે.