રાજકોટના વધુ એક MLA કોરોનાગ્રસ્ત

સી.આર. પાટીલ સાથે ખોડલધામમાં ફોટો સેશન કરાવવું ભાજપના નેતાઓને ભારે પડ્યું,
રાજ્યસભાના સાંસદ, મેયર બાદ રાજકોટ-70 બેઠકના ભાજપના MLA ગોવિંદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં ભાજપના નેતાઓએ દરેક કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. સી.આર. પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ ભાજપના ધારાસભ્યો અને નેતાઓને ભારે પડી રહ્યો છે. આજે રાજકોટ 70 બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગોવિંદ પટેલ સીનર્જી સંચાલિત પેટ્રીયા હોટલમાં આઈસોલેટ થયા.
ગોવિંદ પટેલને હાલ સામાન્ય લક્ષણો હોવાથી તેઓ સ્ટાર સીનર્જી સંચાલિત પેટ્રીયા હોટલમાં આઈસોલેટ થયા છે. જે તે સમયે પાટીલના પ્રવાસ વખતે ગોવિંદ પટેલ પણ તેમને મળ્યા હતા અને સાથે રહ્યા હતા. ખોડલધામ બાદ રાજકોટ રેલીમાં અને પ્રેસ કોન્ફરન્સ વખતે પણ ગોવિંદ પટેલ સી.આર. પાટીલ સાથે રહ્યા હતા. સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસે ભાજપના અનેક નેતાઓને કોરોનાગ્રસ્ત બનાવી દીધા છે.
રાજકોટના મેયર, રાજ્યસભાના સાંસદ, રાજકોટના ધારાસભ્ય પણ કોરોનાગ્રસ્ત.
21 ઓગસ્ટના રોજ સી.આર. પાટીલ રાજકોટના પ્રવાસે આવ્યા હતા. ત્યારે રાજકોટ ભાજપ દ્વારા ગોંડલ ચોકડીએ તેમના શાહી સ્વાગત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ખુલ્લી જીપમાં સી.આર. પાટીલની રેલી યોજાઇ હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાઉડ્યા હતા. 22 ઓગસ્ટે રાજકોટમાં સી.આર. પાટીલની પ્રેસ કોન્ફરન્સ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.