ચીન પર વધુ એક ઘા, ભારત સરકારે AC આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ..

ભારત સરકારે એર કન્ડિશનર્સ આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના લીધેલા નિર્ણયની સૌથી વધુ ગંભીર અસર ચીન પર જોવા મળવાની સંભાવના છે. અગાઉ ગત જૂન માસમાં સરકાર દ્વારા કાર, બસ, અને મોટરસાઇકલમાં વપરાતા નવા ન્યૂમેટિક ટાયરની આયાત પર પ્રતિબંધ મુક્યો હતો.
ચીને છેલ્લા 10 વર્ષોમાં મસુદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકવાદી જાહેરાત કરવાની રાહમાં 4 વખત આડો પગ કર્યો છે. જ્યારે પણ પાડોશી દેશ ચીન સાથે તણાવની સ્થિતી પેદા થાય છે ત્યારે વારંવાર ચીની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવાની અપીલ થવા લાગે છે.

ગયા નાણાં વર્ષમાં ભારતે ૪૬.૯૦ કરોડ ડોલરના સ્પ્લિટ એસીની આયાત કરી હતી જેમાંથી ૨૪.૧૦ કરોડની કિંમતના એસી ચીન ખાતેથી અને ૧૮.૯૦ કરોડ ડોલરના થાઈલેન્ડ ખાતેથી આયાત કરાયા હતા. આમ એસીની આયાત પર પ્રતિબંધની સૌથી ગંભીર અસર ચીન પર જોવા મળશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. વિન્ડો એસીનો આયાત આંક ૩.૫૦ કરોડ ડોલર રહ્યો હતો જેમાંથી ૧.૮૦ કરોડ ડોલર થાઈલેન્ડ ખાતેથી અને ૧.૪૦ કરોડ ડોલર ચીન ખાતેથી આવ્યા હતા.
ચીન સાથેના સરહદી વિવાદને પરિણામે ત્યાંથી થતી દરેક આયાતની ભારતના પ્રવેશ સ્થળોએ સખત તપાસ કરવામાં આવે છે. આત્મનિર્ભર ભારતના ભાગરૂપ સરકાર આયાતો પર અંકૂશ મૂકવાના પગલાં લઈ રહી છે.