
કેન્દ્ર સરકારના કન્ઝુમર અફેર્સ વિભાગે 15 દિવસમાં બંને કંપનીઓને ખુલાસો કરવાનો આદેશ કર્યો છે.કેન્દ્ર સરકારે ફેસ્ટિવલ સિઝન વચ્ચે ઈ-કોમર્સ કંપનીઓ – એમેઝોન અને ફ્લિપકાર્ટને નોટિસ પાઠવી છે. પ્લેટફોર્મ પર વેચાતી પ્રોડક્ટ વિશે અનિવાર્ય જાણકારી અપાઈ ન હોવાથી આ નોટિસ પાઠવવામાં આવી છે. કેન્દ્ર સરકારે બધા રાજ્યોને પણ એક નોટિફિકેશન જારી કરીને જે તે રાજ્યોમાં ઈ-કોમર્સ કંપનીઓ નિયમો પાળે છે કે નહીં તે જોવાની તાકીદ કરી છે.

એન્યુલ સેલ દરમિયાન નોટિસ મળતા સમસ્યાઓ વધી
શુક્રવારે ગ્રાહક બાબતોના મંત્રાલયે જારી કરેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીક ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ ના નિયમોની અવગણના કરવામાં આવી રહી છે. તે ઉત્પાદન માટે આ ટેગ મૂકવો જરૂરી છે કે તે કયા દેશમાંથી આવે છે. પરંતુ કેટલાક ઉત્પાદનોને ટેગ અપાયા નથી. આ નોટિસ એમેઝોન અને ફ્લિપકાર્ટને એવા સમયે આપવામાં આવી છે જ્યારે બંને પોતાનો એન્યુઅલ સેલ શરૂ કરી રહ્યા છે. જો કે, આ બંને કંપનીઓએ આ નોટિસનો જવાબ આપ્યો નથી.