ડ્રગ્સ મુદ્દે અક્ષય કુમારની અપીલ: મૌન તોડ્યું, ‘પ્લીઝ આખી ઈન્ડસ્ટ્રીને બદનામ ન કરો’

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડમાં ડ્રગ અબ્યુઝમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ, સારા અલી ખાન જેવાં મોટાં નામો સામે આવ્યા હતા. તેમ છતાં અત્યાર સુધી એકેય મોટા સ્ટારે એક શબ્દ સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો. પણ હવે અક્ષય કુમારે આ મુદ્દે મૌન તોડ્યું અને એણે એક ઇમોશનલ વીડિયો મૂકીને દેશના મીડિયાને અને લોકોને અપીલ કરી છે કે પ્લીઝ આ મુદ્દે આખી ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાનું બંધ કરો. અન્ય કોઈપણ ક્ષેત્રની જેમ અહીં પણ અમુક લોકો ડ્રગ્સ લેતા હોઈ શકે છે, પરંતુ તે માટે આખી ઈન્ડસ્ટ્રીનું નામ ખરાબ કરી ને કોઈની આખી જિંદગીભરની રેપ્યુટેશનને ધૂળ કરી દેવી એ યોગ્ય નથી.
અક્ષય વીડિયોમાં કહે છે,
“આજે ભારે હૈયે તમારી સાથે એક વાત શૅર કરવી છે. આમ તો ઘણા દિવસથી એ વિશે ઘણા વિચાર આવેલા, પણ બધી બાજુ એટલી બધી નેગેટિવિટી હતી, કે સમજાતું નહોતું કે શું કહું, કેટલું બોલું, કોને કહું? અમે ભલે સ્ટાર કહેવાતા હોઈએ, પણ બોલિવૂડને તમે તમારા પ્રેમથી બનાવ્યું છે. અમે માત્ર એક ઇન્ડસ્ટ્રી જ નથી, અમે અમારી ફિલ્મોના માધ્યમથી આપણા દેશની સંસ્કૃતિ, આપણાં મૂલ્યોને વિશ્વના ખૂણે-ખૂણામાં પહોંચાડ્યાં છે. જ્યારે-જ્યારે તમારાં સેન્ટિમેન્ટ્સની વાત આવી, તમે જે અનુભવતા હતા, ફિલ્મોએ તેને વ્યક્ત કરવાની કોશિશ કરી. પછી એ એન્ગ્રી યંગ મેનવાળો આક્રોશ હોય, કે કરપ્શન હોય, ગરીબી હોય, બેકારી હોય, દરેક ઇશ્યૂને સિનેમાએ પોતાની રીતે બતાવવાની કોશિશ કરી છે. તેમ છતાં આજે જો તમારી અંદર ગુસ્સો હોય તો તે ગુસ્સો પણ અમારાં આંખ-માથા પર.

સુશાંત સિંહ રાજપૂતના અચાનક મૃત્યુ પછી એવા ઘણા બધા ઈશ્યૂઝ સામે આવ્યા છે, જેણે અમને પણ એટલી જ પીડા આપી છે, જેટલી તમને. અને આ મુદ્દાઓએ અમને અમારી અંદર ડોકિયું કરવા માટે મજબુર કર્યા છે. અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એવી બહુ બધી ખામીઓ તરફ દૃષ્ટિપાત કરવા મજબૂર કર્યા છે જેના પર વિચારવું અતિશય જરૂરી છે. જેમ કે, નાર્કોટિક્સ અને ડ્રગ્સ વિશે અત્યારે વાતો થઈ રહી છે. હું મારા હૃદય પર હાથ મૂકીને તમારી સાથે ખોટું કઈ રીતે બોલી શકું કે આવા કોઈ પ્રોબ્લેમનું અસ્તિત્વ છે જ નહીં. એ જ રીતે જેમ બીજી દરેક ઇન્ડસ્ટ્રીમાં, પ્રોફેશનમાં પણ હશે, પણ દરેક પ્રોફેશનનો દરેક માણસ તે પ્રોબ્લેમમાં ઇન્વોલ્વ્ડ હોય એવું શક્ય નથી. ડ્રગ્સ લીગલ મેટર છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણી લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને કોર્ટ્સ તેમાં જે કંઈ તપાસ કરી રહી હશે અને જે એક્શન લઈ રહી હશે તે બિલકુલ યોગ્ય જ હશે. અને હું એ પણ જાણું છું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો દરેક માણસ તેમાં સંપૂર્ણપણે કો-ઓપરેટ કરશે.
પણ પ્લીઝ, હાથ જોડીને કહું છું, કે એવું તો ન કરો કે આખેઆખી ઈન્ડસ્ટ્રીને એકસરખી બદનામ દુનિયાની જેમ જોવા માંડો. આ યોગ્ય નથી. આ તો ખોટું છે ને?
મને પર્સનલી મીડિયાની તાકાતમાં પૂરો વિશ્વાસ રહ્યો છે. આપણું મીડિયા જો યોગ્ય મુદ્દા યોગ્ય સમયે ન ઉઠાવે, તો બહુ બધા લોકોને કદાચ અવાજ ન મળે કે ન ન્યાય મળે. હું મીડિયાને હૃદયપૂર્વક રિક્વેસ્ટ કરવા માગું છું કે તે પોતાનું કામ, અવાજ ઉઠાવવાનું ચાલુ રાખે, પણ પ્લીઝ થોડી સંવેદનશીલતાથી. કેમ કે, એક નેગેટિવ ન્યૂઝ કોઈ વ્યક્તિની વર્ષોની રેપ્યુટેશન, વર્ષોની સખત મહેનતને બરબાદ કરી શકે છે.
અને છેલ્લે, આપ સૌ ફેન્સ, તમામને મારો એ મેસેજ છે કે, તમે સૌએ જ તો અમને બનાવ્યા છે. તમારા વિશ્વાસને અમે વ્યર્થ નહીં જવા દઇએ. જો તમને કોઈ વાતની નારાજગી હોય તો અમે અમારી ખામીઓ દૂર કરવા માટે ઓર મહેનત કરીશું. તમારો પ્રેમ, વિશ્વાસ અમે જીતીને જ રહીશું. તમે છો તો અમે છીએ. બસ, અમારી સાથે રહેજો. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ.”