
– રાજ્યસભામાં એનડીએની બહુમતી નહીં છતાં
– બિલ પાસ કરવા 122 મત જરૂરી, 105ના સંખ્યાબળ છતાં એનડીએને 130 મતની આશા
મોદી સરકારના કૃષિ બિલો ખેડૂતો માટે ઉજ્જવળ ભવિષ્યના અનેક દરવાજા ખોલી નાંખશે તેવા ભાજપનો દાવો છે. કેન્દ્ર સરકાર રવિવારે રાજ્યસભામાં કૃષિ બિલો રજૂ કરશે.
લોકસભામાં એનડીએની બહુમતી હોવાથી કૃષિ બિલો નિર્વિરોધ પસાર થઈ ગયા હતા, પરંતુ 245 સભ્યોની રાજ્યસભામાં એનડીએની બહુમતી ન હોવાથી આ બિલો પસાર કરવા મોદી સરકારે વિશેષ રણનીતિ બનાવી છે.
245 સભ્યોવાળી રાજ્યસભામાં હાલ બે સૃથાન ખાલી છે. એવામાં બિલ પસાર કરાવવા માટે બહુમતનો આંકડો 122 છે. ભાજપના 86 સાંસદ છે તેમજ એનડીએના સાથી પક્ષો સાથે તેનું કુલ સંખ્યાબળ 105 થાય છે. અકાલી દળે કૃષિ બિલોનો વિરોધ કર્યો હોવાથી તેના ત્રણ સાંસદો વિરોધમાં મતદાન કરશે.
આમ, બહુમતી માટે કેન્દ્રને 17 સાંસદોના સમર્થનની જરૂર પડશે. હંમેશની જેમ બીજેડીના 9, અન્નાદ્રમુકના 9, ટીઆરએસના 7, વાયએસઆરસીના 6 અને ટીડીપીના 1 સાંસદો પર ભાજપની નજર છે. સરકારને વિશ્વાસ છે કે રાજ્યસભામાં તેને 130 સાંસદોના સમર્થનથી આ બિલો પસાર થઈ જશે.
રાજ્યસભામાં 40 સાંસદોવાળો કોંગ્રેસ બીજો મોટો પક્ષ છે. યુપીએના અન્ય પક્ષોના સાંસદો અને ટીએમસી સાથે વિપક્ષનું સંખ્યાબળ 85 છે. આમ, સરકારને આ બિલો પસાર કરાવવાનો પૂરો વિશ્વાસ છે. વિપક્ષ આ બિલોને સિલેક્ટ સમિતિ સમક્ષ મોકલવા માગે છે. સરકાર બિલ પસાર નહીં કરાવી શકે તો વિપક્ષની માગ તેણે સ્વીકારવી પડી શકે છે.