
એસઓજીની ટીમે જામજોધપુર પંથકમાં દરોડો પાડી એક કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ને પકડ્યો
નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો સુરતથી આયાત થયો હોવાથી સુરતના એક શખ્સને ફરારી જાહેર કરાયો
જામનગર તા ૧૮ જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં થી ગાંજાના વેચાણનું નેટવર્ક પકડાયું છે. જામનગરની એસ.ઓ.જી શાખાની ટુકડીએ આજે સવારે જામજોધપુર પંથકમાં દરોડો પાડી એક શખ્સને ૧ કિલો અને ૧૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડયો છે. જેની વિશેષ પૂછપરછ દરમિયાન ઉપરોક્ત ગાંજાનો જથ્થો સુરતથી આયાત થયો હોય અને મૂળ જામજોધપુરના જ વતની એવા શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું જણાવતાં પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગર જિલ્લા જામજોધપુરમાં પાટણ રોડ પર રહેતો રમેશ મગન ભાઈ ઝિંઝુવાડીયા નામનો શખ્સ કે,જે ખાનગીમાં નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે આજે સવારે એસ.ઓ.જી.ની ટુકડીએ જામજોધપુરના પાટણ રોડ પર ઘાસ ના ગોડાઉન પાસે વોચ ગોઠવી ઉપરોક્ત શખ્સ રમેશ મગનભાઈ ઝીંઝુવાડીયા ને આંતરી લીધો હતો. જેની તલાસી લેતા તેના કબજામાંથી રૂપિયા એક કિલો અને ૧૦૦ ગ્રામ ની કિંમતનો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી એસઓજીની ટીમે તેની અટકાયત કરી લઈ ગાંજો અને મોબાઈલ ફોન વગેરે મળી રૃપિયા ૧૨ હજારની માલમતા કબજે કરી હતી. જ્યારે તેની સામે જામજોધપુર પોલીસ મથકમાં નાર્કોટિક ડ્રગ્સ ની કલમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી આરંભી હતી.
તેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત ગાંજાનો જથ્થો સુરતથી આયાત કર્યો હોવાનું કબૂલ્યું હતું. મૂળ જામજોધપુરના જ વતની અને હાલ સુરતમાં રહેતા જયદીપ મુકેશભાઈ કુંભાર નામના શખ્સે ઉપરોક્ત જથ્થો સપ્લાય કર્યોહોવાની કબુલાત આપતાં એસઓજીની ટીમે જયદીપ મુકેશભાઈ ને ફરાર જાહેર કર્યો છે અને તપાસનો દોર સુરત તરફ લંબાવ્યો છે