ઓખા દરિયા કાંઠેથી રેતી ભરેલ ટ્રેકટર ઝડપાયું

જામખંભાળીયા: ઓખામંડળમાં આવેલા દરિયા કાંઠેથી થતી દરિયાઈ રેતી (ખનીજ)ની ચોરી થવા સબબ ખાણ ખનીજ વિભાગ દ્વારા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયામાં રહેતા અને જિલ્લા ખાણ ખનીજ વિભાગ અધિકારી હર્ષદભાઈ ગણપતભાઇ પ્રજાપતિ (ઉ.વ. 28) એ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ઓખાના રહીશ મેઘાભા કારાભા નામના એક શખ્સે પોતાના લાલ કલરના મહેન્દ્રા કંપનીના ટ્રેક્ટરમાં દરિયાની રેતી (રાષ્ટ્રીય ખનીજ સંપતિ) ભરીને તે રેતી અંગત કામ માટે હેર-ફેર કરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરી રૂપિયા 20 હજારની કિંમતની ચાર મેટ્રિક ટન રેતીની ચોરી કરી હોવાનું જાહેર થયું છે. આ રેતી ચોરી બાદ ટ્રેક્ટર ચાલક રેતી અન્ય જગ્યાએ ખાલી કરીને નાસી ગયો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ઓખા મરીન પોલીસે ટ્રેક્ટર ચાલક સામે આઈ.પી.સી. કલમ 379 તથા માઈન્સ એન્ડ મિનરલ ( ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ તથા ગુજરાત માઈનિંગ ફોર ઈલ્લીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઓખાના પી.એસ.આઈ. દ્વારા હાથ ધરવામાં આવી છે.