પંચમહાલ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો

પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો
પંચમહાલ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા ૧૫ શિક્ષકોનું પારિતોષિક આપી સન્માન કરાયુ
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જ્ન્મદિવસ કે જે દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે, તેની પંચમહાલ જિલ્લામાં પણ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથ સિંહ પરમારની અધ્યક્ષતામાં હાલોલ ખાતે શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. હાલોલની વી.એમ. શાહ સ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના ૧૨ અને જિલ્લા કક્ષાના ૩ શિક્ષકોને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોઇપણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ સિવાય શક્ય નથી અને તેથી જ ભારતીય સંસ્કૃતિમાં ગુરુને સર્વોચ્ચ પદ આપવામાં આવ્યું છે. બાળકોના ઘડતર અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં શિક્ષણનું મહત્વ સમજતી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર નવી શિક્ષણ નીતિ લાવી છે. દેશના સંનિષ્ઠ શિક્ષકો નવી શિક્ષણ નીતિના માધ્યમથી શક્તિશાળી નાગરિક, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરી દેશને વધુ ઉંચાઈએ પહોંચાડશે. ચાણક્યના વિધાનને ટાંકતા દેશના બાળકોને સર્જનાત્મક રસ્તે વાળવા કે વિનાશકારી રસ્તે વાળવા તે શિક્ષકો પર નિર્ભર છે તેથી શિક્ષકોએ નવીન સંશોધનો અને ટેકનોલોજીથી અવગત રહીને બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમનો ઉપયોગ કરવાનો છે. શિક્ષણ ઉપરાંતની પ્રવૃત્તિઓમાં પણ શિક્ષકો સમાન રીતે પ્રદાન આપે છે તેમ જણાવી મંત્રીશ્રી એ નોવેલ કોરોના વાયરસે દેશમાં સર્જેલી કટોકટી દરમિયાન શિક્ષકોએ બજાવેલી કામગીરીની પ્રસંશા કરી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવે પોતાના સંબોધનમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને આદર સહ યાદ કરતા જણાવ્યું હતું કે ઉત્તમ શિક્ષકો વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાર બની રહે છે. પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવતા તેમણે અન્ય શિક્ષકોને શિક્ષણની નવીન તરાહો શીખવામાં મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો.
અહેવાલ :- ગણપત મકવાણા
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this