
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મુંબઈના ભિવંડીમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. આ અકસ્માત સોમવારે વહેલી સવારે થયો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યા છે. સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 20 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. કાટમાળ નીચે દટાયેલા અન્ય લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પીઆરઓએ જણાવ્યું કે, અકસ્માત ભિવંડીના પટેલ કમ્પાઉન્ડ ખાતે સવારે 3.20 વાગ્યે થયો હતો. તે દરમિયાન મકાનની અંદર લોકો ઊંઘમાં હતા. હજી સુધી 10 લોકોના મૃતદેહ કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે. મરનાર વ્યક્તિની ઓળખ કરવાનું અને બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પીઆરઓ અનુસાર, 1984 માં બનેલ મકાન નંબર 69, જીલાની એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગનો અડધો ભાગ મોડી રાત્રે તૂટી પડ્યો હતો. આ બિલ્ડિંગ ડેન્જર લિસ્ટમાં હતી. તેને ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી હતી. નોટિસ મળ્યા પછી કેટલાક લોકો અહીંથી ચાલ્યા ગયા પરંતુ કેટલાક લોકો અહીં રોકાઈ ગયા હતા. એવું કહેવામાં આવે છે કે મુંબઈમાં ભારે વરસાદના કારણે બિલ્ડિંગ નબળી પડી ગઈ હતી. આ બિલ્ડિંગમાં 21 પરિવારો રહેતા હતા.