
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની પેટાચૂંટણી આગામી તારીખ 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. આ ચૂંટણી પૂરી થયા બાદ તુરત જ ડિસેમ્બર માસના અંતિમ સપ્તાહ આસપાસ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજવાની દિશામાં પંચ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
55 નગરપાલિકા, છ મહાનગર પાલિકા, 32 જીલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લગભગ મોટાભાગના મતદારો આ ચૂંટણીમાં આવી જતા હોવાથી રાજકીય નિરીક્ષકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ જેટલું જ મહત્ત્વ આપતા હોય છે અને મતદારોનો મૂડ વિધાનસભાની ચૂંટણીઓમાં કેવો રહેશે તેનો આછેરો અંદાજ પણ આ ચૂંટણીમાં આવી જતો હોય છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે નવેસરથી મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા આગામી તારીખ 9 થી શરૂ કરવામાં આવશે. 2011 ની વસ્તી ગણતરી મુજબ વિધાનસભાની સીટવાઇઝ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે તેને બેઈઝ બનાવીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તારીખ 9 ઓક્ટોબરના રોજ મુસદ્દા રૂપ પ્રાથમિક પ્રસિદ્ધિ મતદાર યાદીની કરવામાં આવશે અને ત્યારબાદ મતદાર યાદીમાં નામ સરનામામા ફેરફાર નવેસરથી નામ ઉમેરવા સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
અમદાવાદ ,વડોદરા,સુરત, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં ચૂંટણી યોજવામાં આવશે. ગુજરાતમાં કુલ 8 મહાનગરપાલિકા છે પરંતુ જૂનાગઢ સહિત બે મહાનગરપાલિકાની ટર્મ પૂરી થતી ન હોવાથી તેમની ચુંટણી આગામી દિવસોમાં યોજવામાં આવશે.
ચૂંટણી પંચે રાજકોટ જિલ્લા પંચાયતની બેઠક અનામતને લગતા અને સીમાંકનના આખરી આદેશો કરી દીધા છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠક છે. તેમાંથી માત્ર 13 બેઠક બિન અનામતની કેટેગરીમાં મુકવામાં આવી છે. અનુસૂચિત જાતિની સ્ત્રીઓ માટે બે, અનુસૂચિત જાતિની સામાન્ય કેટેગરીની વ્યક્તિ માટે બે,અનુસૂચિત આદિજાતિની સામાન્ય કેટેગરીની એક, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની મહિલાઓ માટે બે ,સામાન્ય બે,અને સામાન્ય સ્ત્રી માટે 14 બેઠક અનામત જાહેર કરવામાં આવી છે.