ઓખા માંથી ઝડપાયો 2,200 લીટર ગેરકાયદેસર ડીઝલનો જથ્થો..

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં એક મુસ્લિમ શખ્સના મકાનમાં એલ.સી.બી. પોલીસે દરોડો પાડી, રૂ. 1.58 લાખની કિંમતનો 11 બેરલ ગેરકાયદેસર મનાતો ડીઝલનો બિલ વગરનો જથ્થો ઝડપી લીધો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલિંગમાં એલ.સી.બી. વિભાગના એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ તથા અરજણભાઈ મારુ, અને બલભદ્રસિંહ ચુડાસમાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખામંડળના ઓખા ભુંગા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા મુસ્તાક ઈશાભાઈ સોઢા નામના 28 વર્ષીય મુસ્લિમ શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે રાખવામાં આવેલા 11 બેરલ ડીઝલના જથ્થા અંગે પોલીસે પૂછપરછ કરતાં મુસ્તાક ઈશા સોઢા પાસે આ અંગેના કોઈ બિલ મળી આવ્યા ન હતા. આથી પોલીસે ગેરકાયદેસર મનાતા બિલ વગરના રૂપિયા 1,58,400ની કિંમતનો 2,200 લીટર ડીઝલનો જથ્થો જપ્ત કરી, આરોપી તથા ડીઝલનો જથ્થો ઓખા મરીન પોલીસને સોંપવામાં આવેલ છે. મુસ્તાક સોઢા દ્વારા ડીઝલનો આ જથ્થો ક્યાંથી અને કેવી રીતે આવ્યો છે, તે બાબત સ્થાનિક પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઇ. જે.એમ. ચાવડા તથા પી.એસ.આઇ. વી.એમ. ઝાલાના માર્ગદર્શન મુજબ સ્થાફના અરવિંદભાઈ નકુમ, બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, દેવશીભાઇ ગોજીયા, વિપુલભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.